History of the Journal
વિદ્યાપીઠ સામયિકનો ઈતિહાસ ગૂજરાત વિદ્યાપીઠની સથાપના જેટલો જ જુનો છે. ગૂજરાત વિદ્યાપીઠની સથાપના 18.10.1920 માં થઈ અને ગુજરાત મહાવિદ્યાલયની શરૂઆત 15.11.1920 ના રોજ થઈ. મહાવિદ્યાલયની સ્થાપનાના થોડાક સમયમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા "સાબરમતી" હસ્તલિખિત સામયિક શરૂ કર્યું; જે 1922 થી મુદ્રિત દ્વિમાસિક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું. "સાબરમતી" દ્વિમાસિકમાં કેટલાક ખાસ ભાગો પૂર્તિ તરીકે આપવામાં આવતા હતા. 1922માં વિદ્યાપીઠ નિયામક સભામાં "કેળવણીના વિષયોનની ચર્ચા કરનારું તથા ખાસ કરીને શિક્ષકોને વ્યહવારુ સૂચનાઓ વગેરેથી માર્ગદર્શક થઇ પડે તેવું" એક નિયતકાલીન પત્ર ગૂજરાત વિદ્યાપીઠ તરફથી શરૂ કરવા ઠરાવ થયો જેના પરિણામ સ્વરૂપ "સાબરમતી" ના પેટા વિભાગ તરીકે એક પૂર્તિ "વિદ્યાપીઠ" જાન્યુઆરી 1923 થી શરું કરવામાં આવી હતી. જે પછીથી 'નવજીવન' અઠવાડિકની માસિક પૂર્તિ તરીકે 20.04.1924 થી 'કેળવણી' નામે પ્રગટ કરવામાં આવ્યું. સમયાંતરે તેનું નામ બદલાયું અને 'શિક્ષણ અને સાહિત્ય' નામે માસિકપૂર્તિ સ્વરૂપે પ્રકશિત થતું રહ્યું. ૧૯૩૦માં સ્વરાજની લડત શરૂ થઈ અને નવજીવન અઠવાડિક બંધ થયું તેની સાથે આ માસિકપૂર્તિનું પ્રકાશન પણ અટકી પડયું. લગભગ ૩ દાયકા પછી "વિદ્યાપીઠ" પોતાના મૂળ નામથી જાન્યુઆરી 1963 થી પ્રકાશિત થવાનું શરુ થયું જેનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંશોધન કાર્યને વેગ આપવાના છે. જેમાં સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને સ્થાન આપવામાં આવે છે. "વિદ્યાપીઠ" પોતાની આગવી શૈલીને કારણે શૈક્ષણિક જગતમાં વિશેષ લોકપ્રિય છે. જે સામાજિક સંશોધન કાર્યના વિધવિધ સામાજિક સંશોધન કાર્ય સાથે સંકળાયેલા સંશોધકો અને સામાજિક કાર્યકરોને વિધવિધ વિષયોના ગુણવત્તાયુક્ત લેખો થકી સુદ્રઢ માહિતીનું વહન કરે છે.